વેતાળે વિક્રમને પૂછ્યું કે આ ત્રણ છોકરાઓમાંથી છોકરીનાં લગ્ન કોની સાથે કરાવવાં જોઇએ ?

પૌરાણિક સમયમાં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને એક યોગીએ કહ્યું કે, સ્મશાનમાં આવેલ પીપળા પરથી વેતાળને ઉતારીને લાવે, તેમને એ વેતાળની જરૂર છે. યોગીની વાત માની રાજા વેતાળને લેવા સ્મશાનમાં ગયા. વેતાળે શરત રાખી હતી કે, જો વિક્રમાદિત્ય રસ્તામાં કઈં બોલશે તો, વેતાળ પાછો એ જ ઝાડ પર જઈને લટકી જશે. ચાલાક વેતાળ વિક્રમને વાર્તાઓ સંભળાવે છે અને દર વખતે ચતુરાઇથી રાજાના બંધનમાંથી છૂટી જાય છે. આ વાર્તાઓમાંની એક રસપ્રદ વાર્તા છે અહીં..

એક બ્રાહ્મણ પરિવારમાં તેમની પુત્રી લગ્ન યોગ્ય થઈ ગઈ હતી. તેનું નામ માલતી હતું. તે ખૂબજ સુંદર ગુણવાન હતી. તેના પરિવારમાં છોકરીના માતા-પિતા અને એક ભાઇ હતો. આ ત્રણેયને માલતીનાં લગ્નની ચિંતા સતાવતી હતી.

એક બ્રાહ્મણ યુવતી લગ્ન યોગ્ય થતાં જ માતા, પિતા અને ભાઇએ એક-એક છોકરો પસંદ કર્યો અને કન્યા સાથે લગ્ન કરાવવાનું વચન આપ્યું, ત્યારબાદ થયા ઘણા ચમત્કાર

એક દિવસ બ્રાહ્મણ કોઇનાં લગ્નમાં ગયો અને તેનો ભાઇ ગુરૂકુળમાં ભણવા ગયો. ઘરમાં માત્ર મા-દિકરી જ હતાં. બ્રાહ્મણને લગ્નમાં પોતાની પુત્રી માટે એક સુયોગ્ય વર દેખાયો અને તેણે છોકરાને વચન આપી દીધું કે, તે પોતાની દિકરીનાં લગ્ન તેની સાથે જ કરાવશે.

ગુરૂકુળમાં ભાઇને એક ગુણવાન છોકરો મળ્યો. ભાઇએ પણ એ છોકરાને વચન આપી દીધુ કે તે પોતાની બહેનનાં લગ્ન તેની સાથે જ કરાવશે.

એજ સાંજે એ બ્રાહ્મણના ઘરે એક અજાણ્યો છોકરો આવ્યો. માલતીની માતાને એ છોકરો બહુ ગમ્યો. માતાએ એ છોકરાને વચન આપી દીધુ કે, પોતાની દિકરીનાં લગ્ન એ છોકરા સાથે જ કરાવશે.

સાંજે જ્યારે આખો પરિવાર ભેગો થયો ત્યારે ખબર પડી કે, તેમણે ત્રણ અલગ-અલગ છોકરાઓને વચન આપી દીધાં છે. હવે તેમને સમજાઇ રહ્યું નહોંતું કે, છોકરીનાં લગ્ન કોની સાથે કરાવવાં?

આ દરમિયાન છોકરીને એક સાપ કરડ્યો અને તે મરી ગઈ. બ્રાહ્મણ પરિવારે તેના અંતિમ સંસ્કાર કર્યા. છોકરી સાથે જેનાં લગ્ન કરાવવાનાં હતાં એ ત્રણ છોકરાઓ પણ આવ્યા. અંતિમ સંસ્કાર બાદ એક છોકરાએ માલતીની અસ્થિઓ ભેગી કરી દીધી, બીજા છોકરાએ અંતિમ સંસ્કાર બાદ વધેલી રાખ ભેગી કરી અને ત્રીજો છોકરો યોગી બની જંગલમાં ચાલ્યો ગયો.

એક દિવસ યોગી યુવાન ફરતો-ફરતો એક બ્રાહ્મણના ઘર પાસે પહોંચ્યો. એ બ્રાહ્મણનો દિકરો યુદ્ધમાં મૃત્યુ પામ્યો હતો. તેમના દિકરાનું શબ ઘરે પહોંચ્યું એટલે એ બ્રાહ્મણની પત્ની વિલાપ કરવા લાગી. ત્યારે બ્રાહ્મણે પોતાના પૂર્વજોની પોથી કાઢી અને તેમાંથી સંજીવની વિદ્યાનો જાપ કરી પોતાના મૃત પુત્રને ફરી જીવિત કરી દીધો. આ જોઇ યોગી યુવાન વિચારવા લાગ્યો કે, આ પોથી જો તેને પહેલાં મળી જાત તો તે માલતીને પાછી જીવિત કરી શકત. રાત્રે એ યોગી યુવાને બ્રાહ્મણની પોથી ચોરી લીધી અને પેલા બે યુવાનો પાસે ગયો.

માલતીની અસ્થિઓ અને રાખ મિક્સ કરી યોગી યુવાને સંજીવની મંત્રનો જાપ કર્યો અને માલતી જીવિત થઈ ગઈ.

ત્યારબાદ ત્રણેય યુવાનો માલતી સાથે લગ્ન કરવા લડવા લાગ્યા. આટલી વાર્તા કહી વેતાળ અટકી ગયો અને વિક્રમને પૂછ્યું, જણાવો રાજન, માલતી માટે સાચો હકદાર કોણ છે? તે કોની સાથે લગ્ન કરશે?

વિક્રમે કહ્યું કે, જેણે અસ્થિઓ રાખી હતી તે તો માલતીના પુત્ર બરાબર કહેવાય, જેણે વિદ્યા શીખી તેને જીવનદાન આપ્યું તે બાપ બરાબર કહેવાય. જેણે રાખ રાખી એ જ માલતીનો સાચો હકદાર છે.

વિક્રમનો જવાબ સાંભળી વેતાળે કહ્યું કે, તે એકદમ સાચો જવાબ આપ્યો, પરંતુ તું આપણી શરત ભૂલી ગયો. આટલું બોલી વેતાળ પાછો ઝાડ પર લટકી ગયો.

આ પણ વાંચજો – સાસુ-વહુ વચ્ચે થતા કાયમી ઝઘડાથી પરેશાન વહુએ એક દિવસ સંત પાસે જઈને કહ્યું કે- કોઈ એવો ઉપાય જણાવો જેનાથી મારી સાસુ મારી સાથે ઝઘડો કરવાનું બંધ કરી દે, સંતે વહુને એક કાગળ આપીને જણાવ્યો ઉપાય

One Response

  1. Ravindra v Patel February 1, 2020

Leave a Reply

error: Content is protected !!