નવું ઘર ખરીદ્યા પછી અથવા બનાવ્યા પછી દરેક ઘરમાં વાસ્તુ શાંતિ કરાવવામાં આવે છે. વાસ્તુશાંતિ વાસ્તુદેવને ખુશ કરવા માટે કરવા આવે છે. આ વાતની પાછળ એક એવી માન્યતા છે કે જમીનના કોઈ ભાગ ઉપર જ્યારે બાંધકામ કરવામાં આવે છે ત્યારે તે જમીન ઉપર નિવાસ કરતી શક્તિઓ જાગી જાય છે. આ શક્તિઓ જ વાસ્તુપુરુષ છે. વાસ્તુપુરુષ દેવતાના શરીર ઉપર જ તમામ દેવતાઓનો વાસ હોય છે. આ જ દેવતાઓને ખુશ કરવા માટે વાસ્તુ પૂજન કરવામાં આવે છે, જેથી આ તમામ દેવતાઓ ખુશ રહે અને આપણાં જીવનમાં સુખ વ્યાપેલું રહે.
નવા ઘરમાં શા માટે વધુ પ્રભાવિત કરી શકે છે વાસ્તુઃ-
કોઈ પણ નવા ઘરમાં વાસ્તુ પૂજનનું મહત્વ જૂના ઘર કરતા અનેક ગણું વધુ હોય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે વાસ્તુપુરુષને જે પણ કષ્ટ મળે છે, તેનો બદલો(વેર) એ તે ઘરમાં રહેનારા સભ્યો પાસે પ્રથમ વર્ષમાં જ વાળી લે છે. જે પ્રકારે કોઈ પણ ઘા રુઝાતા સમય લાગે છે, તે જ રીતે વાસ્તુપુરુષને મળેલા કષ્ટો પણ દૂર થતા સમય લાગે છે. કોઈ પણ જગ્યાએ કરવામાં આવેલું બાંધકામ એક વર્ષ સુધી વાસ્તુપુરુષને વ્યાકુળ કરે છે, જેથી વાસ્તુપુરુષની ઊંઘમાં બાધા ઉત્પન્ન થાય છે. ઊંઘમાંથી જાગી ગયેલા વાસ્તુપુરુષને ભૂખ વધુ લાગે છે. વાસ્તુપુરુષની ભૂખ શાંત કરવા માટે હવન કરાવવો જોઈએ. આ જ કારણ છે કે ભૂમિપૂજનના સમયે પણ નારિયેળ ફોડી તેનો પ્રસાદ વાસ્તુપુરુષને ભોજન સ્વરુપમાં આપવામાં આવે છે.
જાણો કોણ છે વાસ્તુ પુરુષ….
મત્સ્યપુરાણમાં વાસ્તુપુરુષના જન્મ વિશે એક કથા આપવામાં આવેલી છે. જે મુજબ અંધકાસુર નામના રાક્ષસને મારવા માટે ભગવાન શંકરને તેની સાથે યુદ્ધ કરવું પડયું હતું. શિવ દ્વારા તે રાક્ષસનો સંહાર બાદ તેના માથા ઉપરથી પરસેવાના અમુક ટીપાં ધરતી ઉપર પડ્યા. આ ટીપાંમાંથી એક વિશાળ આકારનો પુરુષ જેવો દેખાતો જીવ ઉત્પન્ન થયો. આ જીવ જમીન ઉપર પડેલા અંધકાસુરનું ખૂન પીવા લાગ્યો, જ્યારે અંધકાસુરના ખૂનથી તેની ભૂખ શાંત ન થઈ તો તેણે શિવજી પાસે જઈ ત્રણેય લોકો (દેવલોક, પૃથ્વીલોક અને આકાશલોક)ને ખાવાની ઈચ્છા જાહેર કરી.
આ જીવે અંધકાસુરના ખાતમામાં શિવજીની મદદ કરી હતી એટલે શિવજીએ તેને ઈચ્છા પૂરી કરી લેવા આજ્ઞા આપી દીધી. ત્યારબાદ આ જીવ દેવલોક અને આકાશલોક પાર કરી પૃથ્વીલોક પહોચ્યો. ત્રણેય લોકોના નાશથી ડરી ગયેલા દેવતાઓએ એ જીવને જોરનો ધક્કો આપ્યો, ત્યારે એ જીવ પૃથ્વી ઉપર ઊંધા મોં પડી ગયો. એ જીવ જે રીતે પૃથ્વી ઉપર પડ્યો હતો, તે જ સ્થિતિમાં બધા દેવતાઓ અને રાક્ષસોએ મળીને તેને દબાવી દીધો અને તેની ઉપર બેસી ગયા. આ જીવનું મોં સંપૂર્ણપણે જમીનમાં દબાવેલું હતું, જેના લીધે તેને ગૂંગળામણ થવા લાગી. બધા દેવતાઓએ તેને એ રીતે પકડી રાખ્યો હતો કે તે સહેજ પણ હલી નહોતો શકતો. દેવતાઓનો તે જીવના શરીર ઉપર વાસ હોવાને લીધે તેનું નામ વાસ્તુ પડી ગયું.
આ વાસ્તુપુરુષે દેવતાઓને વિનંતિ કરી કે તમે મને એ રીતે દબાવી રાખ્યો છે કે હું હલી પણ નથી શકતો. આ વિનંતિથી ખુશ થઈ બ્રહ્મા સહિત તમામ દેવતાઓએ તેને વરદાન આપ્યું કે તું જે સ્થિતિમાં અત્યારે છો, તે જ સ્થિતિમાં તારું શરીર આ ધરતી ઉપર વાસ કરશે. તમામ દેવતાઓનો તારા શરીર ઉપર વાસ રહેશે, જ્યારે પણ કોઈ માનવ આ પૃથ્વી ઉપર પોતાનું ઘર બનાવશે ત્યારે તે ઘરમાં નિવાસ કરતા પહેલા તમામ દેવતાઓ સહિત તારી પણ પૂજા કરવી જરુરી રહેશે.
વાસ્તુપૂજનના અંતમાં અને બલિ વૈશ્વેદેવના પૂજનમાં જે આપવામાં આવશે તે તારું ભોજન હશે. વાસ્તુપૂજનના અંતમાં જે યજ્ઞ કરવામાં આવશે તે પણ તને ભોજનના સ્વરુપમાં પ્રાપ્ત થશે. નવા ઘરના નિર્માણ બાદ જે વ્યક્તિ વાસ્તુપૂજન નહી કરે, તેમના દ્વારા અજાણતા જ ઘરમાં કરેલા કોઈ પણ યજ્ઞની આહૂતિનો ભાગ તને ચોક્કસ મળશે.
જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– 卐 નાગપાંચમે નાગની પૂજા કેમ કરવામાં આવે છે?
– મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે?
– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?
– મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?
– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?
– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો
– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન
– પ્રભુને નૈવેધ (થાળ) કે રાજભોગ રોજ કેમ ધરાવવામાં આવે છે ?
– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?
– વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ
– લોકવિશ્વાસના પ્રતીકસમા માદળિયાં, ડોડી અને તાવીજ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો