શેઠને એક રાત્રે સપનું આવ્યું કે, લક્ષ્મીજી તેનું ઘર છોડીને જઈ રહી છે અને કહી રહી છે કે, મારી જગ્યાએ તારા ઘરમાં ક્લેશ આવવાનો છે. જાણો પછી શું થયું..

એક શેઠને બે દિકરા હતા. એક દિકરાનાં લગ્ન થઈ ગયાં હતાં. આખો પરિવાર હસી-ખુશીથી રહેતો હતો. વ્યાપાર પણ સારો ચાલતો હતો. બીજા દિકરાનાં લગ્ન પણ બહુ જલદી થઈ ગયાં. એ જ રાત્રે શેઠને સપનું આવ્યું કે, લક્ષ્મી તેનું ઘર છોડીને જઈ રહી છે અને કહી રહી છે કે, મારી જગ્યાએ તારા ઘરમાં ક્લેશ આવવાનો છે.

શેઠે સપનામાં જ લક્ષ્મીજી પાસે વરદાન માંગ્યું કે, ક્લેશ ભલે આવે, પરંતુ મારા પરિવારના લોકો વચ્ચે પ્રેમ જળવાઇ રહે. લક્ષ્મીજીએ તેને વરદાન આપી દીધું. થોડા દિવસો બાદ શેઠની નાની વહુ ખીચડી બનાવી રહી હતી. ખીચડીમાં મીઠું નાખી તે પોતાનું કામ કરવા લાગી.

એ જ સમયે મોટા દિકરાની વહુ આવી અને તેણે ચાખ્યા વગર જ ખીચડીમાં મીઠું નાખ્યું અને પોતાના કામમાં લાગી ગઈ. એ દિવસે સૌથી પહેલાં શેઠે ખાધું, મીઠું વધારે હોવા છતાં તે કઈં ન બોલ્યા. શેઠને સમજાઇ ગયું હતું કે, ઘરમાં ક્લેશ આવી ગયો છે.

ત્યારબાદ મોટો દિકરો ઘરે આવ્યો. તેણે જેવી ખીચડી ખાધી, તેને મીઠું વધારે લાગ્યું. તેણે પૂછ્યું, શું પિતાજીએ જમી લીધું? જવાબ હા મળ્યો. તેણે વિચાર્યું કે, પિતાજી કઈં ન બોલ્યા તો હું પણ ચૂપચાપ ખાઇ લઉં. આ જ રીતે ઘરના બધા સભ્યોએ વારાફરથી ખાઇ લીધું.

સૌથી છેલ્લે નાની વહુએ ખાધું. તે સમજી ગઈ કે, ખીચડીમાં મીઠું વધારે હોવા છતાં કોઇએ મને કઈંજ ન કહ્યું. સાંજે જ્યારે બધાં ઘરમાં હતાં ત્યારે નાની વહુએ બધાંની માફી માંગી. ઘરના લોકોએ તેની વાત હસવામાં કાઢી દીધી.

એ રાત્રે શેઠને ફરી સપનું આવ્યું કે, ક્લેશ ઘર છોડીને જઈ રહ્યો છે અને લક્ષ્મીજી પાછાં ઘરમાં આવી ગયાં છે. સપનામાં જ શેઠે જ્યારે તેનું કારણ લક્ષ્મીજીને પૂછ્યું તો તેમણે કહ્યું કે, જે ઘરમાં સભ્યો વચ્ચે આટલો પ્રેમ હોય ત્યાં ક્લેશ રહી જ ન શકે.

બોધપાઠ

પરિવારના લોકો જ એકબીજાની તાકાત હોય છે. જ્યારે કોઇ સમસ્યા આવે છે ત્યારે બધા ભેગા થઈને તેનો સામનો કરે છે. જો પરિવારના લોકોમાં નાની-નાની વાતે વિવાદ થવા લાગે તો, આખો પરિવાર વેર-વિખેર થઈ જાય છે. માટે નાની-નાની વાતોમાં એકબીજા સાથે વિવાદ ટાળવો જોઇએ. ક્લેશ તેની જાતે જ ઘરમાંથી ભાગી જશે.

આ પણ વાંચજો – જંગલમાં સંતે એક મહિલાના રડવાનો અવાજ સાંભળ્યો, તેઓ ત્યાં પહોંચી ગયા અને પૂછ્યું કે તમે કેમ રડી રહ્યાં છો અને એકલા આ જંગલમાં શું કરો છો? મહિલાએ કહ્યું કે થોડાં દિવસ પહેલા સિંહે તેના પતિને મારી નાખ્યો હતો, જાણો પછી શું થયું?

Leave a Reply

error: Content is protected !!