વઢવાણની માધાવાવ કે જ્યાં પ્રજાના ભલા માટે કુંવર અભેસંગ અને રાણીએ જીવતા જળસમાધી લીધી હતી

ઝાલાવાડની ધરતી પર ઇતિહાસ અને વર્તમાન બંને પ્રેમ, શહીદી અને પ્રજાવાત્સલ્યથી ભરપૂર છે. આ ધરતી પર અતિત અને વર્તમાનમાં આ પ્રકારના અનેક કિસ્સાઓ અંકિત થયા છે. વઢવાણમાં રાજકુંવરે પ્રજા કલ્યાણ માટે સજોડે માધાવાવમાં જળસમાધિ લીધી હતી તો વર્તમાનમાં એવા કિસ્સાઓ પણ છે જેમાં બે પાત્રોએ એકબીજા માટે અનેક ભોગ આપ્યા હોય. ઝાલાવાડની ધરતી પર પણ પ્રજાકલ્યાણ માટે રાજકુંવર અને રાણીએ જળસમાધિ લીધાના દ્રષ્ટાંત ઇતિહાસના પાનાઓ પર અંકિત છે.

વઢવાણની રૈયતને પાણી માટે કુંવર અભેસંગ અને રાણીએ વાવમાં દીધા પ્રાણ

પ્રજાકલ્યાણ માટે ભોગ આપવાના કિસ્સાની વાત કરીએ તો રાજાશાહી વખતે વઢવાણમાં પાણીની સમસ્યા હલ કરવા સંવત 1225ના ફાગણ સુદ છઠ્ઠના દિવસે વાવ ગાળવાની શરૂઆત કરી. 12 વર્ષના પ્રયાસો છતાં તેમાં પાણી ન થતાં રાજજ્યોતિષીએ તેનો ઉપાય સુચવ્યો કે, કોઈ નવદંપતી વાવમાં ભોગ આપે તો જ તેમાં પાણી થઈ શકે તેમ છે. રૈયતમાંથી કોઈ દંપતી તૈયાર ન થયું. આ વાત રાજકુંવર અભેસંગ પાસે પહોંચી ત્યારે પોતે ખુશીથી બલિદાન આપવા તૈયાર થયા. તેમનાં રાણીએ પણ નાનકડા કુંવરને રાજપરિવારને સોંપી પતિ સાથે સોળે શણગાર સજી વાવમાં જળસમાધિ લીધી. આ સમયે હજારોની સંખ્યામાં લોકો વાવ પર ભેગા થયા હતા.

વઢવાણ શહેરના પિશ્ચમ ભાગે આવેલ ઐતિહાસિક માધાવાવ ૭૦૦ વર્ષ પહેલા બંધાયેલી છે. રાજા કરણ વાધેલાના કારભારી માધવે માધાવાવ બનાવી હતી. ૧૩૦ ફૂટ લાંબી અને ૧૪૦ ફૂટ ઊડી માધાવાવને છ મતવાળા આવેલા છે. આ માધાવાવમાં ૧૦૦ થી વધુ પગથિયા અને ૮૦ ફૂટ પાણી સમાઇ શકે છે. પરંતુ પાણી ન આવતા પાણી માટે પુત્ર અને પુત્રવધુનું બલિદાન અપાયું હતું. આથી તરસી પ્રજાને પાણી પીવડાવવા માટે બલિદાન આપનાર માધાવાવ પ્રખ્યાત બની ગઇ છે. હાલ માધાવાવની દેખરેખના અભાવે ગંદકીવાવ બની ગઇ છે. પુરાતત્વ ખાતા દ્વારા વાવના પ્રવેશ દ્વારા રક્ષિત સ્મારકનું બોર્ડ માર્યુ છે. પરંતુ માધાવાવ રક્ષણનાં અભાવે જીણશીર્ણ અને અસ્વરછ બની ગઇ છે.

માધાવાવમાં આજેય પાણી ખૂટતાં નથી

રાજકુંવર અને રાણીએ જયાં પહેલા પગથિયે પગ મૂક્યો ત્યાં વાવના તળિયે પાણી આવ્યાં હતાં અને જેમજેમ બંને પગથિયાં ઉતરતાં ગયાં તેમતેમ પાણી વધતાં ગયાં અને સાતમે પગથિયે પગ મૂકતાંની સાથે બન્નેએ જીવતાં જળસમાધિ લીધી હતી અને વાવમાં પાણીની ધારાઓ વછૂટી હતી પરંતુ બે વ્યક્તિ પાણીમાં ડૂબીને મરી ગઈ હોય તો તે પાણી ગોઝારું બની ગયું કહેવાય. આ પાણી હવે કોઈ નહીં પીએ, તેવું લોકો કહેવા લાગ્યા.

ત્યારે દાદાના એક અવાજે કુંવર અભેસંગ અને વાઘેલી રાણીએ વાવમાંથી અવાજ દીધો હતો અને પોતે જીવિત હોવાની સાબિતી આપી હોવાનું પણ ઇતિહાસ કહે છે.

આજે પણ વઢવાણમાં આ માધાવાવ આવેલી છે, જેમાં પાણી ક્યારેય પણ નથી ખૂટતાં. જનતા માટે રાજકુંવર અને રાણીએ આપેલાં આ બલિદાન ઉપરથી લોકગીતો પણ રચાયાં છે.

જેમાં ‘બાર બાર વરસે નવણ ગળાવ્યા, નવાણે નીર ના આવ્યાં જી રે…‘ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે.

સ્થાપત્ય

આ વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં બાંધવામાં આવી છે; પ્રવેશ પશ્ચિમ દિશામાં છે, જ્યારે વાવનો કુવો પૂર્વ દિશામાં છે. તે ૫૫ મીટર લાંબી છે અને પગથિયા ૪૯.૮૦ મીટર લંબાઈમાં સમાયેલા છે. વાવમાં લાંબા સાંકડા પગથિયા દ્વારા દાખલ થવાય છે. વાવને છ કૂટ (ઉપરથી બંધ અને ઉપર ખુલ્લા એમ પડતા વિભાગો) અને પગથિયાના છ જૂથ છે. દરેક કૂટ બાદ વાવની પહોળાઈ ઘટે છે. પગથિયાએ પહોળાઈ છ મીટર છે જે ઉપર છત્રી તરફ જતા ઘટીને ૩.૬ મીટર થાય છે. દરેક કૂટ પર છત્રી છે જે ચાર સ્તંભો પર ઊભી છે. છત્રી નીચેનાની બેસાય એવા પરસાળની લંબાઈ ૨.૭ મીટર છે. બે કૂટ વચ્ચે ૪.૮ મીટરની ઊંચાઇ હોવાને કારણે જાડી દિવાલો આવશ્યક છે. દરેક છત્રી એક ઉપર એક એવા નવ સ્તરો વડે બનેલી છે અને તેમની ઉપર મંદિરના શિખરોની માફક આમલક અને કળશ છે.

કૂવાનો વ્યાસ ૫.૩ મીટર છે. છેલ્લા માળે બેવડા વળેલા છ માળખાં છે, જે ઉપરના દબાણ સામે રક્ષણ આપે છે. જેમાંના ચાર પાછલી દીવાલમાં જડેલા છે અને પથ્થરની બારશાખ વડે અચ્છાદિત છે.

પહેલ કૂટ ની બન્ને બાજુએ કોતરણી કરેલી પથ્થરની જાળી છે જે દીવાલનું પણ કાર્ય કરે છે. તે જાળી ચાર x ચાર એમ ૧૬ નાની જાળીઓ ધરાવે છે. તેની રચના દેલવાડાના વિમલ વસહી જૈન મંદિર અને અમદાવાદના સારંગપુરની રાણી મસ્જીદને મળતી આવે છે. વાવના મુખ્ય દરવાજાની દ્વારશાખની ઉભી કમાનમાં બેઠેલા દેવોની અને આડી કમાન પર રોજીંદા જીવનની ક્રિયાઓની આકૃતિઓ કોતરેલી છે.

દરેક કુટમાં ગોખલાઓ છે જેમાં મૂર્તિઓ છે. તેમાં ભૈરવ, સપ્તમૈત્રિકા, નવગ્રહ, દશાવતાર અને અન્ય દેવ દેવીઓની મૂર્તિઓ છે જેમને તેમની જર્જરિત સ્થિતિને કારણે ઓળખવી મુશ્કેલ છે. એક ગોખલામાં એક યુગલની મૂર્તિ છે તે માધવ તથા તેની પત્નીની છે. તેની નીચે ટૂંકો લેખ છે. અહીં અમુક મૈથુન મૂર્તિઓ પણ છે.

વાવની દંતકથા ગુજરાતી ચલચિત્ર વણઝારી વાવ (૧૯૭૭)માં દર્શાવવામાં આવી છે. આ વાવ પર દેહુના દાન અર્થાત્ માધવાવ નામનું નાટક પણ લખાયું છે. ઝવેરચંદ મેઘાણીના પુસ્તક રઢિયાળી રાતના રાસમાં માધાવાવ અંગેનું લોકગીત સમાવી લેવાયું છે. આ દંતકથા આધારિત લલિત ત્રિવેદીએ એક કાવ્ય લખ્યું છે જે તેમના અંદર બહાર એકાકાર કાવ્યસંગ્રહમાં સમાવેલ છે.

-લોકગીત

બાર બાર વરસે માધાવાવ ગળાવી,
નવાણે નીર ના આવ્યાં,મારા વા’લા !

તેડાવો જાણતલ,તેડાવો જોશી,
જોશીડા જોશ જોવરાવો, મારા વા’લા !

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો,મારા વા’લા !

ઘોડા ખેલવતા વીર રે અભેસંગ !
દાદાજી બોલાવે, મારા વા’લા !

શું રે કો’છો મારા સમરથ દાદા,
શા કાજે બોલાવ્યા, મારા વા’લા !

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો, મારા વા’લા !

એમાં તો શું મારા સમરથ દાદા,
પારકી જણીને પૂછી આવો,મારા વા’લા !

બેટડો ધવરાવતા વહુ રે વાઘેલી વહુ !
સાસુજી બોલાવે,મારા વા’લા !

શું રે કો’છો મારાં સમરથ સાસુ,
શા કાજે બોલાવ્યાં, મારા વા’લા ?

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો, મારા વા’લા !

એમાં તો શું મારા સમરથ સાસુ,
જે કે’શો તે કરશું, મારા વા’લા !

ભાઇ રે જોશીડા ! વીર રે જોશીડા !
સંદેશો લઇ જાજે, મારા વા’લા !

મારી માતાજીને એટલું કે’જે,
મોડિયો ને ચુંદડી લાવે, મારા વા’લા !

પૂતર જઇને પારણે પોઢાડ્યો,
નેણલે આંસુડાની ધાર,મારા વા’લા !

ઝાંઝ પખાજ ને જંતર વાગે,
દીકરો ને વહુ પધરાવે મારા વા’લા !

પે’લે પગથિયે જઇ પગ દીધો,
પાતાળે પાણી ઝબક્યાં, મારા વા’લા !

બીજે પગથિયે જઇ પગ દીધો,
કાંડા તે બૂડ પાણી આવ્યાં,મારા વા’લા !

ત્રીજે પગથિયે જઇ પગ દીધો,
કડ્ય કડ્ય સમાં નીર આવ્યાં,મારા વા’લા !

ચોથે પગથિયે જઇ પગ દીધો,
છાતી સમાં નીર આવ્યાં મારા વા’લા !

પાંચમે પગથિયે જઇ પગ દીધો,
પરવશ પડિયા પ્રાણ,મારા વા’લા !

તરી છે ચુંદડી ને તર્યા છે મોડિયો,
તર્યાં અભેસંગના મોળિયાં,મારા વા’લા !

ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં,
ઓરડા અણોસરા લાગે, મારા વા’લા !

Leave a Reply

error: Content is protected !!