પ્રાચીન ભારતીય જાદુકલા

જેની આપણે ત્યાં બહુ ઓછી નોંધ લેવાય છે એવી અભણ હૈયામાંથી પ્રગટેલી અને લોકજીભે રમતી લોકોકિતઓ જ્ઞાનના ભંડારસમી ગણાય છે, એનો અભ્યાસ કે સંશોધન ભાગ્યે જ થાય છે. ઉ.ત.

લેખ તો વિધાત્રીના (છઠ્ઠીના)

ચોપડા તો ચિત્રગુપ્તના

યુદ્ધ તો મહાભારતનું

વૃક્ષ તો પીપળાનું

નંદી તો ભોળાનાથનો

ગાણાં તો લગ્નનાં

અને જાદૂ તો કામરુદેશના

આ પ્રાચીન કામરુદેશની અને એની જાદૂવિધાની વાત કરીએ છીએ પણ એ દેશ ક્યાં આવ્યો એના વિશે ભાગ્યે જ જાણીએ છીએ. જૂના કાળે રંગપુર, સિલહટ, મણિપુર અને આસામ આ બધા પ્રદેશોને શાસ્ત્રોમાં કામરુ-કામરૂપ દેશમાં ગણાવ્યા છે. અહીં કામરૂદેશની વાત છે તે આપણું આજનું આસામ. ગૌહાતી એની રાજધાનીનું શહેર છે. રામાયણ સમયમાં ત્યાં નરકાસુર નામનો રાજા હતો, સીતાની શોધ માટે વાંદરાઓને મોકલતી વખતે સુગ્રીવે કામરૂદેશનું વર્ણન કર્યું છે. આ કામરૂદેશના જાદૂ અને જાદૂગરણી કન્યાઓ જાણીતાં હતાં, પણ આજે મારે વાત કરવી છે ભારતીય જાદૂ અને જાદુગરોની.

બારીક બુદ્ધિ અને ચકોર નજરે ન સમજાય એનું નામ જ જાદુ. સામાન્ય લોકો જાદુને ચમત્કાર, સ્વપ્નસૃષ્ટિ, માયાજાળ, ભેદભરમથી ભરપૂર માયાવી સૃષ્ટિ સમજે છે. જાદુગર પાસે કોઈ દૈવી શક્તિ છે. અલ્લાદિના જાદુઈ ચિરાગની જેમ એણે કાળભૈરવની સાધના કરી છે એમ પણ કેટલાક માને છે. આવી અંધશ્રદ્ધાનો લાભ લઈને ચમત્કારો સર્જવાનો દાવો કરનાર કેટલાક ધૂર્ત લોકો ભોળી પ્રજાને ભરમાવીને ધન પડાવી લેવાના કિસ્સા પણ બને છે. આવા કિસ્સાને બાદ કરીએ તો જાદુ પ્રાચીન ભારતની શુદ્ધ મનોરંજનની કલા છે. તેનો સમાવેશ ૬૪ કલાઓમાં કરવામાં આવ્યો છે. જાદુની આગવી આચારસંહિતા છે. આપણે સમજવું જોઈએ કે જાદુ એ કોઈ ચમત્કાર નથી. નજરબંધીનો ખેલ નથી. જાદુ એ હાથચાલાકીની કરામત છે. કેટલાંક ઉપકરણો દ્વારા વૈજ્ઞાનિક સત્યનો આધાર લઈ, હાથની સફાઈ અને વાણીની વાક્‌પટુતા વડે તેને રજૂ કરવામાં આવે છે.

મનોરંજન દ્વારા પેટિયું (રોટલો) રળનારા ગામઠી જાદૂગરો જૂના કાળે ગામડામાં ફરીને ગામના ચોરે, ચૌટે, શેરી કે ચોકવચાળે અને મેળાની માનવમેદની વચ્ચે જાદુના આવા મનોરંજક ખેલ કરતા.

જાદુવિધાની પ્રાચીન પરંપરા પર ઉડતી નજર કરીશું તો એના મૂળ અને કુળ ભારતમાંથી મળે છે. આપણે ત્યાં યોગી, ફકીર, તાંત્રિકો અનેક ચમત્કારો સર્જે છે. તેઓ હઠયોગ દ્વારા અલૌકિક પ્રભાવ પેદા કરી શકે છે. આંખે પાટા બાંધીને જોઈ શકવું, હવામાં અદ્ધર રહેવું, ખાધાપીધા વિના, હવા લીધા વિના દિવસો સુધી જમીનમાં દટાઈ રહેવું, ઇચ્છિત મૃત્યુ મેળવવું, પરકાયા પ્રવેશ કરવો જાણીતા આત્માઓને બોલાવવા વગેરે અદ્‌ભુત કરતબો ભારતીય યોગીઓ સાથે જોડાયેલા છે. આપણા વૈદિક ગ્રંથ અથર્વવેદમાંથી આવી યૌગિકક્રિયાના અનેક ઉદાહરણો ઉપલબ્ધ થાય છે. તંત્રશાસ્ત્રના ગ્રંથોમાં જણાવ્યા મુજબ હઠયોગનો અભ્યાસ કરનાર હઠયોગી ભક્ત ઘણી શક્તિઓ મેળવી શકે છે અને આ શક્તિ વડે અનેક ચમત્કારો સર્જી શકે છે. શાસ્ત્રની આચારસંહિતા અનુસાર તેઓ જાદુગરોની જેમ આવા ચમત્કારો પ્રજાને જાહેરમાં બતાવી શકતા નથી. જો બતાવે તો તેમની આ વિધા નાશ પામે છે એમ કહેવાય છે. આથી તેઓની ચમત્કારિક વિધા ગુપ્ત રહે છે. છતાં કોઈવાર નવાસવા ઉત્સાહી શિષ્ય તેમની આ ક્રિયા જાહેર કરી પણ દે છે.

જાદુવિધા-કળા પર ભારતીય ૠષિમુનિઓએ લખેલા પ્રાચીન ગ્રંથો પણ મળે છે. સાડાત્રણ હજાર વર્ષ પૂર્વે ભગવાન પતંજલિએ હવામાં અદ્ધર રહેવાના પ્રયોગ વિશે વિસ્તારથી લખ્યું છે એમ ડૉ. ભાંડારકર નોંધે છે. વીરબાહુ મુનિ રચિત ઈન્દ્રજાલમ્‌માં જાદુના ખેલ, માયા ઉત્પન્ન કરવી, મંત્રથી નવી વસ્તુઓ ઉત્પન્ન કરવી તેની ચર્ચા કરી છે. ૠષ્યશૃંગમુનિએ અદ્રશ્ય થવાની કળાનું વિવેચન આપ્યું છે. ગારુડમ ગ્રંથમાં જાદુગરોના ૩૨ ખેલની વાર્તા વર્ણવી છે. વીરબાહુમુનિએ મહેન્દ્રજાલમ ગ્રંથમાં ૧૧૫ જાતના સ્તંભનો જેવા કે અગ્નિસ્થંભન, અગ્નિમાં કૂદી પડવું, અગ્નિમાં બેસવું, અગ્નિમાંથી ઇજા વગર બહાર નીકળવું, (રાજસ્થાનમાં જેસલમેર ફેસ્ટિવલમાં એક સંપ્રદાયના ભક્તોને અગ્નિ ઉપર ચાલતા ને રમતા નજરે નિહાળ્યા છે.) જળસ્થંભન, પાણીમાં પડવું, એમાંથી સલામત રીતે બહાર નીકળવું. વગેરે માયાવી પ્રયોગો સમજાવ્યા છે. નાગાર્જુને પોતાના એક ગ્રંથમાં જાદુના ખેલનો ઉલ્લેખ કર્યો છે. કૌટિલ્યે તેના અર્થશાસ્ત્રના અંતિમ પ્રકરણમાં જાદુઈ નુસ્ખાઓની નોંધ લીધી છે.

ભારતીય જાદુકલાનું વધુ એક પગેરું ત્રણ સદીઓ પહેલાં લખાયેલ મોગલ બાદશાહ જહાંગીરની આત્મકથા ‘જહાંગીરનામા’માંથી મળે છે. એ કાળે તેના દરબારમાં આવેલા બંગાળના સાત જાદૂગરોએ જાદુના ૨૮ જાુદા જાુદા ખેલ બતાવેલા એનું વિગતે વર્ણન આપ્યું છે. જાદુગરોની આ કરામત આજેય આપણને આશ્ચર્ય પમાડે છે.

બંગાળી જાદુગરોએ પચાસ ફૂટ લાંબી સાંકળ આકાશમાં ફેંકી. એને કોઈ વસ્તુ સાથે બાંધી હોય એ રીતે હવામાં લટકવા લાગી. તે પછી એક કૂતરો, એક ડુક્કર, એક દીપડો, એક ચિત્તો, એક વિકરાળ સિંહ એક પછી એક તેના પર ચડ્યા. મજાની વાત એ હતી કે આ જાનવરો ઉપરના છેડે પહોંચે એટલે હવામાં અલોપ થઈ જતા. છેવટે જાદૂગરોએ સાંકળ ખેંચી વાળીને મૂકી દીધી.

આ જાદુગરો પૈકીના એકે હાથમાં ધનુષ લઈ, પણછ માથે તીર ચડાવીને આકાશમાં ઉડાડ્યું. તીર આકાશમાં ઊંચે જઈને અદ્ધર લટકી રહ્યું. ત્યારબાદ બીજું તીર છોડ્યું તે પહેલા તીર સુધી ગયું, અને તેની સાથે જોડાઈ ગયું. એ રીતે ૪૯ તીર છોડવામાં આવ્યાં જે એકબીજા સાથે જોડાતાં ગયાં અને પચાસમા તીરે આ આખા ઝુમખાને ધરતી પર પાડી નાખ્યું.

એ પછી જાદુગરોએ જમીનમાં એક ખાડો ગળાવ્યો ને એમાં પાણી ભરી દીધું. તેના ઉપર ચાદર ઢાંકી દીધી. એકાદ ખેલ બતાવ્યા પછી ચાદર ઉપાડી લીધી તો પાણીનો બરફ બની ગયો હતો અને તેના પર હાથી હાલી રહ્યા હતા. થોડીવાર પછી ચાદર ઢાંકીને ખસેડી તો પાણીનું નામનિશાન ન હતું. જમીન પણ કોરીધાકોર હતી.

દરબારમાં જાદુગરોએ બે તંબુ ઊભા કર્યા હતા. આ જાદુગરોમાંથી બે જાદુગર એકેક તંબુમાં દાખલ થયા પછી જોનાર દર્શકોએ જે જે ગમતા પશુપંખીના નામ આપ્યાં તે લઈને તંબુની બહાર આવ્યા. પછી આ પંખીઓની જોરદાર લડાઈ બતાવી સૌને આનંદવિભોર કરી દીધા.

સૌથી વધારે હેરત પમાડે તેવો પ્રયોગ વૃક્ષ ઉગાડવાનો હતો. જોનાર પ્રેક્ષકોએ જે ફળનાં નામ આપ્યાં તેના બીજ જાદુગરે જુદી જુદી જગ્યાએ વાળી દીધાં. પછી ન સમજાય તેવી બોલીમાં જાદુગરે વૃક્ષોને ઉગવાનો આદેશ આપ્યો. ત્યાં તો બી વાવેલી જગ્યાએ વૃક્ષો ઉગવા મંડાણાં. એને ડાળીઓ ફૂટી અને ફળો પણ બેઠાં. જાદુગરોએ વૃક્ષો ફરતો આંટો મારીને વૃક્ષ પરથી પાકી ગયેલાં ફળો તોડીને પ્રેક્ષકોને ખવરાવ્યાં. તેનો સ્વાદ તરોતાજા હતો. થોડીવારમાં જાતજાતના પક્ષીઓ વૃક્ષો પર બેસીને કિલ્લો કરવા મંડાણાં. દર્શકોએ કદીએ આવા રૂડારંગીલા પક્ષીઓ જીવનમાં જોયાં જ ન હતાં. સૌ પક્ષીઓ જોવામાં તલ્લીન બન્યા ત્યાં વૃક્ષોના પાન ખરવા લાગ્યાં અને વૃક્ષો ધીરે ધીરે નાના નાના બનતા ગયાં ને છેવટે અદ્રશ્ય થઈ ગયા.

જાદુની વણઝાર આગળ ચાલી જાદુગરોમાંથી એક નવજુવાન જાદુગર સીધો ઊભો રહ્યો. બીજો એના ખભે ઉપર ચડીને ઊભો રહ્યો. ત્રીજો એના ખભે ચડ્યો. એમ કરતાં કરતાં સાતેય જાદુગર એકબીજાના ખભે ઊભા રહ્યા અને માનવસ્થંભ રચ્યો, ત્યારે પહેલા યુવાને જે છ જણને ઉપાડ્યા હતા એણે પોતાનો એક પગ છેક ખભા સુધી ઊંચે કર્યો ને એક પગ પર છ જણનું વજન ઝીલ્યું. એ પછી ૪૦ લોકોએ મળીને આ લોકોના પગ ખેંચ્યા પણ જાદુગરોએ બધાને પોતાના તરફ ખેંચી લીધા. એ પછી એક જણનાં અંગપ્રત્યંગ કાપી નાખ્યા. ધડથી માથું જાુદું કરી નાખ્યું. આ કપાયેલાં માનવઅંગો જમીન પર ઘણીવાર સુધી વેરવિખેર પડી રહ્યા. એ પછી તેના પર એક ચાદર ઢાંકી. થોડા સમય પછી એમાંનો એક જાદુગર ચાદર નીચે ઘૂસ્યો. પછી એ અને જેના અંગઉપાંગો કાપી નાખેલા તે બંને બહાર આવતા દેખાયા. કપાયેલા અંગવાળાના શરીર પર ઘાના કોઈ ચિહ્નો નહોતાં.

બંગાળથી આવેલા આ સાત બાજીગરોમાંનો એક અંધકારઘેરી રાત્રે નિર્વસ્ત્ર થયો. ઝડપથી ઘૂમતાં ઘમતાં એણે પોતાનું શરીર એક ચાદરમાં લપેટી દીધું. એમાંથી અત્યધિક પ્રકાશવાળો અરીસો દેખાયો. એમાંથી એવા તેજકિરણો પ્રગટ્યાં કે દૂરદૂરના પ્રવાસીઓએ તે જોયાં અને કહ્યું કે રાત્રે આકાશમાં આવો દૈદીપ્યમાન પ્રકાશ અગાઉ કદી જોયો નથી.

આ તમામ જાદુગરોએ હારબંધ ઊભા રહીને હોઠ કે જીભ હલાવ્યા વિના સૂરતાલમાં એકી અવાજે સુમધુર સંગીત પીરસ્યું. એ પછી હાલ્યાચાલ્યા વગર થોડેક દૂર ફટાકડાં ફોડ્યા. ચોકમાં એક હોડી મૂકી. તેમાં થોડુંક પાણી અને ચોખા મૂક્યા. પછી કોઈપણ પ્રકારના બળતણ-આગ વગર હોડીમાંના ચોખા રંઘાવા લાગ્યા. પછી એમાંથી બનેલા ભાતની ૧૦૦ ડીસો ભરીને દર્શકો આગળ મૂકી.

એક ખાલી થેલો લઈને જાદુગરોએ તેમાંથી મોટા મોટા બે મરઘા, એક તેતર તથા એક જોડ ભયાનક કાળા નાગ કાઢ્‌યા. પછી મરઘાની લડાઈ, અને સર્પોના દ્વંદ્વયુદ્ધે પ્રેક્ષકોનું મન બહેલાવી દીધું. એ પછી એક ખુલ્લા તુંબડામાંથી મોટું તરબુચ કાઢ્‌યું. દ્રાક્ષના લૂમખા કાઢ્‌યા. આઠ માણસોના ઉઘાડા મોંમાંથી સાપના ડોકાં દેખાવા લાગ્યા. એ સર્પ બહાર કાઢ્‌યા તો પૂરા પાંચ ફૂટના હતા. જમીન ઉપર મૂકતાં એકબીજાની સાથે લપેટાઈ ગયા. છેવટે બાદશાહના હાથમાં એક કોરા પાનાંવાળું પુસ્તક મૂક્યું. જહાંગીર પાનાં ફેરવતો ગયો તેમ તેમ એમાં પ્રાકૃતિક દ્રશ્યો, રણ, વન્યપશુઓના ઉત્કૃષ્ટ રંગીન ચિત્રો નિહાળીને અત્યંત પ્રભાવિત થયો.

જાદુગરોના આ ૨૮ જેટલા પ્રયોગો એટલા વિસ્મયજનક હતા કે આજના જમાનામાં એની કલ્પના પણ આપણે ન કરી શકીએ. જહાંગીરે એના સંદર્ભમાં નોંધ્યું છે કે, ‘હું કેવળ એટલું જ કહી શકું કે મારા પિતાના દરબારમાં જાદુના ખેલ મેં જોયા હતા પરંતુ જે આશ્ચર્યજનક કૌશલ્યનું આ સાત જાદુગરોએ દર્શન કરાવ્યું એ વિશે ન મેં અગાઉ કશું સાંભળ્યું હતું કે ન એની કોઈ કલ્પના કરી હતી. મેં તેમને ખુશ થઈને પચાસ હજાર રૂપિયા આપ્યા.’ તો આવી હતી જુના કાળે ભારતીય જાદુકલા.. વધુ રસપ્રદ વાતો ફરી ક્યારેક રજુ કરશી.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 18 other subscribers

error: Content is protected !!
ડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..
toggle