મન હોય તો માળવે જવાય

આંધ્રપ્રદેશ રાજ્યના એક પછાત જિલ્લાના અંતરિયાળ ગામડામાં રહેતા ગોપાલક્રિષ્નનને ભણવાની બહુ ઈચ્છા હતી પણ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. ગોપાલક્રિષ્નનના માતા-પિતા ખેતરમાં મજૂરી કરવા જતા. એના ઘરમાં વીજળી પણ નહોતી. આવી પરિસ્થિતિમાં છોકરાની ઈચ્છા હોવાથી ગોપાલક્રિષ્નનને સરકારી શાળામાં ભણવા બેસાડ્યો.

10માં ધોરણના અભ્યાસ વખતે એ ઝાડ પરથી નીચે પટકાયો અને અપંગ બની ગયો. અપંગ ગોપાલક્રિષ્નને પોતાના પગ ઉપર જ ઉભા રહેવાંનો સંકલ્પ કર્યો. શિક્ષક બનવા માટેનો કોર્સ પૂરો કરીને એ સરકારી શાળામાં શિક્ષક બની ગયો. શાળામાં ભણવા આવતા પોતાના જેવા ગરીબ બાળકોને જોઈને આવા ગરીબ લોકો માટે કંઇક કરવાના ઈરાદાથી કલેકટર બનવાની યુપીએસસીની પરીક્ષા આપવાનું નક્કી કર્યું.

આ પરીક્ષાની તૈયારી કરાવતા કોચિંગ કલાસનો સંપર્ક કર્યો તો કોચિંગ કલાસ વાળાએ ગોપાલક્રિષ્નનને ચોખ્ખું કહી દીધું કે તારી ક્ષમતા જોતા તું આ પરીક્ષા પાસ કરી શકે તેમ નથી. તને અંગ્રેજી પણ નથી આવડતું અને હિંદી પણ નથી આવડતું એટલે આ પરીક્ષા પાસ કરવી તારા માટે શક્ય જ નથી.

ગોપાલક્રિષ્નને આ વાતને ચેલેન્જ તરીકે સ્વીકારી. અંગ્રેજી અને હિંદી નહોતું આવડતું એટલે તેલુગુ ભાષામાં તૈયારી કરી પ્રાદેશિક ભાષામાં જ યુપીએસસીની પરીક્ષા આપવાનું નક્કી કરી તનતોડ મહેનત શરુ કરી.

ગરીબ પરિવારના આ અપંગ છોકરાએ મજબૂત મનોબળના સહારે દુનિયાની સૌથી કઠિન પરીક્ષા પાસ કરી. ગોપાલક્રિષ્નને યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ત્રીજો નંબર મેળવી સાબિત કર્યું કે મન હોય તો માળવે જવાય.

શૈલેશભાઈ સગપરીયા

Leave a Reply

error: Content is protected !!