રાંદલપૂજાની પૌરાણિક પરંપરાની રસપ્રદ વાતો

‘મગ જેવડી મઢડી ને તલ જેવડાં બારણાં,
માતાનો મઢ મારે કઈ વહુએ શણગાર્યો ?’

ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકજીવનમાં લોકદેવી રાંદલની પૂજાનો પ્રચાર સવિશેષ જોવા મળે છે. નારીની માતૃત્વની મંગળ ઝંખના પરિપૂર્ણ કરવા સૂર્યપત્ની રાંદલની પૂજા જનજીવનમાં ઉતરી આવી હોવાનું મનાય છે. ગુજરાતમાં રાંદલપૂજા હજારેક વર્ષ કરતાંયે વધુ જૂની હોવાનું વિદ્વાનો માને છે.

વહેલી સવારે ઉગીને ધરતીને અજવાળતા સૂર્યનારાયણ જેમ સૃષ્ટિના પિતા ગણાય છે એમ તેમનાં પત્ની રાંદલ જગતની માતા મનાય છે. ગુજરાતી સમાજમાં પ્રત્યેક મંગલ પ્રસંગનો પ્રારંભ પૂજાથી કરવામાં આવે છે. લગ્ન, જનોઇ, સીમંત ઇત્યાદિ પ્રસંગે રાંદલ તેડવામાં આવે છે. કારણ કે લગ્નાદિ પ્રસંગો સંતાન. વૃદ્ધિ અને તેના દ્વારા વંશવૃદ્ધિ માટે નિર્માણ થયેલા છે. માતા રન્નાદે વાંઝિયામેણું ટાળનાર દેવી તરીકે પ્રસિદ્ધ છે.

‘ખોળાનો ખૂંદનાર ધોને રાંદલમા
વાંઝીયામેણાં રે માડી દોહ્યલાં’

રાંદલમાના લોકગીતની આ પંક્તિઓમાં નારીની પુત્રઝંખના પ્રગટ થતી જોવા મળે છે. આથી ઘણી જ્ઞાતિઓમાં રાંદલ તેડવાનો ઉત્સવ આજેય ઉજવાય છે. એ માંગલિક સ્ત્રીસંગીતનો એક વિશિષ્ટ ભાગ ગણાય છે. પુત્રદાત્રી તરીકે એની પૂજા કરવામાં આવે છે. તેના પ્રતીક તરીકે તેની લૌકિક પૂજામાં ‘જાગ વાવવા’માં આવે છે. જમીનમાંથી જેમ ધનધાન્યના બીજ અંકુરિત થાય એમ માનવીના કુટુંબ જીવનમાં પુત્રોરૂપી ફુણગા ફૂટે અને એના કૂળની વંશવૃદ્ધિ વધે એ ભાવના એની પાછળ અભિવ્યક્ત થાય છે.

ખંભાત પાસેના નાગરા ગામની હદમાં જયાદિત્યનું સૂર્યમંદિર છે. આ સૂર્યમંદિર અતિવૃષ્ટિથી પડી જવા જેવું થવાથી મહામાત્ય વસ્તુપાલે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જૂની મૂર્તિઓ ખોવાઇ જવાથી આદિત્ય તથા રન્નાદેવીની નવી મૂર્તિઓ કંડારાવીને સ્થાપન કરાવી. આમ રન્નાદેવીની મૂર્તિનો આ એકમાત્ર ઐતિહાસિક ઉલ્લેખ આપણી પાસે છે. સૂર્ય અને રન્નાદેની સાથે ઘોડાનો પણ સંબંધ માનવામાં આવ્યો છે. સૂર્ય અને વડવા-રૂપધારિણી સંજ્ઞા નામની પત્નીથી ‘રેવન્ત’ની ઉત્પત્તિ થઇ હતી.

આપણે ત્યાં સૂર્ય અને સૂર્યાણી અર્થાત્‌ છાયાનું સનાતન યુગલ મનાય છે. તે માટે એક જાણીતી આખ્યાયિકા છે કે છાયા મૂળ વિશ્વકર્માની પુત્રી. તેને સૂર્ય સાથે પરણાવી હતી. પરંતુ સૂર્યનું તેજ સહન ન થવાથી છાયા પિયર આવતી રહી. વિશ્વકર્માએ સૂર્યની પ્રચંડતા ઓછી કરાવી. તેના પરિણામે છાયા જીરવી શકે એવા તેજવાળો સૂર્ય તેમણે સરાણ ઉપર ઘસીઘસીને સહેવાય તેવો બનાવ્યો. છતાં છાયા અને સૂર્યનો ઘરવાસ બરાબર ચાલ્યો નહીં. છાયા ફરીથી પિયર આવતી રહી. એક દિવસ સાંજની વેળાએ સૂર્ય છાયાની શોધમાં નીકળ્યા. રસ્તામાં ઘટાદાર વૃક્ષ નીચે એક ધોડી જોઇ સૂર્યદેવે એને છાયા તરીકે ઓળખી. તેને ઘેર આવવા બહુ વિનવી. બહુ સમજાવી. છતાં તે ન માની. ત્યારે સૂર્યએ ઘોડાનું રૂપ લીધું, અને ઘોડીરૂપે રહેલાં છાયાદેવી રાંદલને મનાવવા ને રાજી કરવા છંદે નાચ્યા. આખરે રીંસાયેલા રાંદલ મનાયાં અને સૂર્ય સાથે ઘેર પાછાં વળ્યાં. સૂર્યથી તેમને બે કુમારનું જોડકું અવતર્યું તે ‘અશ્વિનીકુમાર’ના નામે ઓળખાયા.

રાંદલ પાસે સૂર્ય ઘોડાનું રૂપ લઈને નાચ્યા ત્યારે તે પ્રસન્ન થયાં હતાં, તે વાત ઉપરથી રાંદલ તેડવામાં આવે ત્યારે આજે પણ ઘોડો ખૂંદવામાં આવે છે, જેથી પહેલાંની જેમ પોતાની સરસાઈનું સ્મરણ તાજું થવાથી તે પ્રસન્ન થાય છે, એવી લોકશ્રદ્ધા છે. લોકસમાજમાં કોઈપણ શુભ પ્રસંગે જનોઈ કે લગ્ન હોય ત્યારે રાંદલ તેડવામાં આવે છે.

રાંદલ તેડ્યાં હોય તે ઘરની, સૌભાગ્યવતી સ્ત્રીઓ કુંભારના ઘેર જઈ તેના ‘ચાક’ને વધાવે છે. ચાક અર્થાત ચાકડો સૂર્યના ચક્રનું કદાચ પ્રતીક હશે ! ‘ચાક’ સર્જનનું પણ પ્રતીક છે. ચક્ર ઉપરથી અનેક પાત્રો નિર્માણ થાય છે. રાંદલનો પુત્ર રેવંત છે. તેના પ્રતીકરૂપે કુંભારને ત્યાંથી કાચી માટીનો બનાવેલો ઘોડો ઘેર લઈ આવે છે. નેૠત્ય અર્થાત્‌ દક્ષિણ-પૂર્વના ખૂણામાં માતાજીનું સ્થાપન થાય છે. સ્થાપનની બાજુમાં માટીનો ઘોડો મૂકાય છે. પછી માટીના શકોરામાં સાત જાતનાં ધાન્ય વાવી જવારા ઉગાડવામાં આવે છે. બાજોઠ ઉપર રાંદલની સ્થાપના કરી, કેળના થંભની માંડવી બનાવી તેને રેશમી વસ્ત્રોથી આચ્છાદિત કરવામાં આવે છે. તેમાં ત્રાંબાના બે લોટા મૂકી, લોટા ઉપર નાળિયેરના ગોટા મૂકી એને નાડાછડી વીંટી, આંખો લગાડી, સોનાના ઘરેણાં પહેરાવી ચુંદડી ઓઢાડી આબેહૂબ રાંદલની પ્રતિકૃતિરૂપ બનાવે છે.

રાંદલ સાથે કોઈવાર જાગ પણ તેડાય છે. જાગમાં સૂર્યની પૂજા વિશેષ પ્રકારે કરવામાં આવે છે. રાંદલપૂજા પ્રસંગે સવારના રાંદલના ભૂઈ અર્થાત ભૂમિગત પૂજકો રાંદલનો ઘોડો ખૂંદવા આવે છે. એ બહારથી પગ ધોઈને આવે છે. થોડીવાર બેસે પછી પિત્તળનો કળશિયો અને ત્રાંબાનું કોડિયું ભૂઈના માથે મૂકવામાં આવે છે. કોડિયામાં ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે. થોડો વખત રાંદલનો ભૂઈ સાવ ઉભો રહે છે પછી તરત જ એ ધીમે ધીમે ભૂભૂભૂ અવાજ કરીને નાચવા માંડે છે. સાથે બહેનો રાંદલનાં ગીતો ગાતી ગાતી રાંદલનો ઘોડો ખૂંદે છે ઃ

‘લોટા તેડાવ્યા રાંદલમાના,

મારાં આંગણિયાં સોહાય,

ઘોડલા ખુંદશે રે રાંદલમા,

મારી આશા પુરણ થાય

સામા સામારે ઓરડિયા,

સામા રે કંઈ સોનીડાના હાટ.

ઘડજો ઘડજો રે ઝાંઝરિયું,

મારા રાંદલમાને કાજ.’

રાંદલમાનું આધસ્થાન સૌરાષ્ટ્રમાં આવેલું દડવા ગામ છે. ધોળા જંકશનથી ત્રણ માઇલ દૂર કાળુભાર નદીના કાંઠે દડવા ગામના પાદરમાં જૂની વાવ આવેલી છે. વાવમાં પગથિયાં ઉતરતાં જમણી બાજુની ભીંતે પાણીની સપાટી પાસેના ગોંખલામાં માતાજીનું સ્થાનક છે. જેમ અંબાને આરાસુરી કહેવાય છે એમ રાંદલને ‘દડવાવાળી’ કે ‘દડવાની દાતાર’ તરીકે ઓળખવામાં આવે છે. પોરબંદર નજીક બગવદરમાં તેમજ કિંદરખેડામાં પણ રાંદલના સ્થાનકો આવેલાં છે. શ્રાવકો રાંદલને ગોત્રજ તરીકે પૂજે છે. હિંદુઓ ઉપરાંત પારસીઓ પણ રાંદલને પૂજે છે. ઇરાનના મૂળ વતની આ લોકો સૂર્યપૂજકો હોઇ સૂર્યપત્નીને માને તે સ્વાભાવિક છે.

5 x 7 05 copy

રાંદલ માતાના મંદિરને અથવા ગોંખને ‘મઢ’ તરીકે ઓળખવામાં આવે છે. રાંદલમાના પરચાનાં ઘણાં ગીતો મળે છે. રાંદલમાએ પાંગળાઓને પગ, વાંઝીયાને પુત્ર, દરદીને ધન તથા મહારોગીઓને કાંચન જેવી કાયા આપી છે. સ્ત્રીઓ પુત્રપ્રાપ્તિ માટે રાંદલને જ પૂજે છે, કારણકે તે જ પારણાં બંધાવે છે. પુત્રરત્ન આપે છે. ઘરમાં રિદ્ધિસિદ્ધિ લાવે છે, અને લીલીવાડી રાખે છે.

સૂર્યની સાથે સૂર્યાણીની મૂર્તિઓ પણ આપણે ત્યાં મળે છે. આવી મૂર્તિઓ ત્રિભંગ વાળી, માથે કરંડ મુકુટ, બે હાથમાં કમળ અગર એક હાથમાં પાત્ર અને બીજા હાથમાં કમળ ધારણ કરેલાં હોય છે. પગ પાસે બે પરિચારિકાઓ હોય છે. સૂર્યની મૂર્તિની બાજુમાં સ્ત્રીની મૂર્તિઓ મોઢેરા વગેરે સ્થળોએ જોવા મળે છે એ સૂર્યપત્નીઓ જ હોવી જોઇએ. બરડામાં મિયાણીની રાંદલ દેરી, વીસાવાડાનું રાંદલ દહેરું, કુછડીની રાંદલ દેરી પુરાતત્તવની દ્રષ્ટિએ મહત્વના બની રહે છે. જેતલસર પોરબંદર રેલ્વે લાઇન ઉપર આલેચના ડુંગરમાં ચુરીમાતા અર્થાત્‌ સુરીમાતા-સૂર્યાણીનું સ્થાનક છે. મોટેભાગે જ્યાં જ્યાં સૂર્ય-રન્નાદેના સ્થાનો છે ત્યાં ત્યાં સૂર્યકુંડો પણ આવેલા છે.

રાંદલપૂજા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં સર્વત્ર છે, પણ પ્રત્યેક પ્રદેશના રિવાજોમાં થોડો થોડો ફરક પડે છે. કોઇ સ્થળે જ્યાં માતાજીના જાગ તેડે છે ત્યાં સૂર્યદેવનો ઘોડો અને માતાજીના કળશનું સ્થાપન કરવામાં આવે છે અને યજમાન ઉભા ઉભા સ્તુતિ ગાય છે, આરાધના કરે છે. ક્યાંક એક દિવસ કે બે દિવસ માટે રાંદલ તેડાય છે તો ક્યાંક આઠ દિવસ માટે તેડાય છે. આમ લૌકિક પૂજાનું ઐતિહાસિક મહત્તવ ઘણું છે. અર્વાચીન કાળમાં આ ધાર્મિક વિધિઓની પરંપરા નષ્ટ થતી જાય છે. લૌકિક પૂજાઓને નિરર્થક ગણી ત્યજી દેવાય છે, પરંતુ આવી પૂજાઓ, માન્યતાઓ અને વિધિઓનો અભ્યાસ કરી લેવા જેવો છે, જેથી વિભિન્ન પ્રજા, જાતિ, ટોળીઓની, સાંસ્કૃતિક વિશેષતાઓને જાણી શકાય. એ દ્રષ્ટિએ રાંદલપૂજાનો ખાસ અભ્યાસ થવો જરૂરી છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા અને ઇતિહાસ

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 18 other subscribers

error: Content is protected !!
ડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..
toggle