અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
(મહાસતી નું મહત્વ )
અનસુયા ને આંગણે, ત્રણ દેવ બાળક થઇ રમે
અસાર સંસાર ની અનુભૂતિ )શોધ કરવા ત્રણે સતીઓ , ભ્રમિત થઇ વન માં ભમે
પરખો તમે પતિદેવ ને , ઊંઘી રહ્યા આવાસ મા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( સત્ય પાલન )
હરીશચંદ્ર રાજાએ જુઓ , સતકારણે સંકટ સહ્યા
રાની અને રાજ કુંવર વેચ્યા , આંખે થી આંસુ ના વહ્યા
પતિ કાજ પરિતાપ સહ્યા , અંતર છતાં ઉલ્હાસમાં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
(આજ્ઞાંકિત પુત્ર)
રઘુકુળ ભૂષણ રામ નું, ગાદી તણું મુરત હશે
આજ્ઞા પિતા ની પાળવા , એ વિકટ વનમાં જઈ વસે
ત્યાગી સુખો વૈભવ તણા , સીતા વસે સહવાસ મા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( પતિવ્રતા ની પરાકાષ્ઠા )
સત્ય ધર્મ સાવિત્રી તણા , જાહેર આખી જહાંન છે
ફરગ કર્યો યમ ફાંશથી, સાબિત કથા સત્યવાન છે
ચૂડો અખંડ સૌભાગ્ય નો દિગ્વિજય દ્રઢ વિશ્વાસમા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( ગૌ સેવાનું ફળ )
સુરભી તણી સેવા કરી , જેણે યોગ નું સાધન કર્યું
વેદાંત નું મંથન કરી , એણે ગીતા તણું સર્જન કર્યુ
એ દેવકી શ્રી કૃષ્ણ ને , જન્મ દે કારાવાસમાં
અમ દેશ ની એ
આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( ટેકીલા પણું )
ચિતોડ ગઢથી છૂટતા, રાણો રઝળતો થઇ ગયો
અરવલ્લી માં ટકી ,એ શાહ ની સામે થયો
રાણી અને વળી રાજકુંવરો , વસ્યા જઈ વનવાસમા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
(આત્મસંયમ ની અસ્મિતા)
તલવાર તોગે વાપરી ,વણ મસ્તકે ધડ લડ્યું
દળ બાદશાહ નું વાઢતા, જેને સવાયું પાણી ચડ્યુ
ફેરાફેરી વરમાળ ફેંકી , રહ્યો ન રાણી વાસમા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( દેશાભિમાન )
જગ માં વધારી જાહલે, આબરૂ કુળ આહીર ની
સિંધ માં જતા સંકટ પડ્યું તેદી વ્હાર માંગી વીરની
સુમરા હમીર ને નવઘણે, રોળ્યો હતો રણવાસમા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
(જીવન પરિવર્તન )
વિષય ની અંધ વાસના પાછળ ગયો પત્ની તણી
પૂંછ ભૂલી પનંગ નું ઉપર ચઢ્યો દોરી ગણી
સંકેત સ્વામી ને કર્યો , તાપ ઉદય તુલસીદાસ માં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
(અતિથિ સત્કાર )
વેધ્યો કુંવર નિજ વાણીયે , હાથે છતાં મુખડું હસે
ઇ શગાળશાહ નું નામ સુણતા, રુંવાડા ઉભા થશે
ચંગાવતી એ શીષ ખાંડયું હરખી ને ઉલ્લાસમા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( કાપડું )
વાળો તળાજે સૂર્યવંશી , અડીખમ એભલ થયો
અણાંનું શીષ અર્પતા , થડકાર દિલ માં ના થયો
બલિદાન આપ્યું બાળનું , બેહની તણી બરદાસ મા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( મલાજો )
એભલ ગયો નિજ ઓરડે , અલ્પ ઉપ હાસ્ય જ કર્યું
તેદી પોઢલે ચાંપો પારણે જણે વસ્ત્ર મુખ ઉપર ધર્યું
તેદી જીભ કરડી જોગમાયા સિધાવી સ્વર્ગવાસમા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( શૂરોપૂરો )
એ જનેતા ને ઉદર થંભ જસો ચાંપો થયો
મસ્તક ધર્યું મહાદેવ ને જે ઢુંઢ લઇ દળ માં ધસ્યો
લડતું પડ્યું ધડ લાઠીએ , કાઠી ગયો કૈલાશ મા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
(વચન પાલન )
પકડી ને હઠ પરીચાગતી , સત્યાગ્રહે ચડ્યો હતો
તેદી પ્રગટ થઇ દેવી પુત્ર ને , મશાણે મળીયો હતો
દેહ પડ્યા પછી દીધો દશોંદી ને અશ્વ દાન મા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( શિયળ રક્ષણ )
મતિ ભ્રષ્ટ થઇ માંડલિક મોણીયે આવ્યો હતો
તે દિ નેણ હસતે નાગબાયે , ખુબ સમજાવ્યો હતો
પછી સિંહણ થઇ શિયળ રક્ષ્યું , ગ્રશ્યો એક જ ગ્રાસમા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( ધર્મરક્ષણ )
ધન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જનમ્યો હતો
તલવાર કેરી ધાર પર , જેણે હિંદુ ધરમ રાખ્યો હતો
પડકાર કરતી પુત્ર ને , શિવા મરજે સમર મેદાન મા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( રણચંડી )
લઇ તેગ લક્ષ્મી બાઈ જે , ઝાંસી તણી રાણી હતી
ઝૂઝી હતી રણ જંગમાં ,જે દુશ્મનો હણતી હતી
મર્દો સમી એ માનુની ,પણ
હતી હિન્દુસ્તાન મા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
(સહનશીલતા)
હિસાબ નહિ હીણ કર્મ નો ,
વળી ઘાતકી પણ છે ઘણો
રીબવવા રંજાડવામાં , ગજબ નો જાદર ગણો
મૌન સેવે માક્બા, વર્ણવ્યુ ન પિયરવાસમાં
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( અસાર સંસાર ની અનુભૂતિ )
આહીર નયના અમરના ,
પુણ્ય પૂર્વ ના ઉદય થયા
સંસાર પર ધિક્કાર છૂટ્યો , વેગ મન અટકી ગયા
કોઢ તણી સેવા કરી , દ્રઢ ભાવ દેવીદાસમા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( પવિત્રતા નું પ્રતિક )
મુળી તણી મથરાવટી , કપટી મળી હલકી કરે
દાનેવ જેવા દેવ ઉપર , આળ અણકલ્પી ધરે
વીખ પાત્ર પતિ કર થી લઇ , ચૂસી ગઈ એક શ્વાસ મા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( પ્રસુતા ની પ્રતિભા )
અણમોલ રત્નો ઉપજે, કલ્પના નાવે કોઈને
વિધિ તણી વૈવિધ્યતા , જાગે અચંબો જોઈને
પ્રતિભા જુવો પ્રસુતા તણી , ગીગો વસે ગર્ભવાસમા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( દાન ની દિગ્વીજયતા )
જુઓ હિંમત જલિયાણ ની , શ્રદ્ધા અચળ સાધુ પરે
ભેદી રૂપી ભામિની ની , માગણી માવો કરે
અર્પણ કરે અર્ધાંગના વરસ્યાં સુમન આકાશમા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
(મુલ્યવાન માતા )
સૌરાષ્ટ્ર માં સાગર કિનારે , સુદામા જન્મ્યો હતો
પાવન ભૂમિ એ પોરબંદર માં કાબો ગાંધી હતો
સંસ્કાર નું સિંચન કર્યું છે , માત મોહનદાસ મા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
( કવિ વચન )
અરજી અમારી સાંભળી , ભગવાન ભેળે આવજે
ભૂષણ બને ભારત
તણું , એવી નારીઓ નીપજાવજે
કવિ કાન કહે સુપુત્ર જન્મે , એમ ચાહું શ્વાસોશ્વાસમા
અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં !
– કવિ કાન