ભગવાન પર ભરોસો રાખનારને મોડે-મોડે પરંતુ સફળતા જરૂર મળે છે, જાણો આ બે ભિખારીની સ્ટોરી દ્વારા.

એક જાણીતી લોકકથા પ્રમાણે જૂના સમયમાં એક રાજા રોજ મંદિરે જતો હતો. મંદિરની બહાર બે ભિખારી બેસી રહેતાં હતાં. એક ભિખારી ભગવાનને કહેતો હતો કે હે ભગવાન, તે રાજાને ઘણું આપ્યું છે, મને પણ આપ. બીજો ભિખારી રાજાને કહેતો હતો કે મહારાજ તમને ભગવાને ઘણું આપ્યું છે, મને પણ થોડું-ઘણું આપો.

પહેલો ભિખારી બીજાને કહેતો હતો કે રાજા પાસે નહીં ભગવાન પાસે માંગ, તેઓ બધાની ઈચ્છાઓ પૂરી કરે છે. બીજો ભિખારી તેને મૂર્ખ કહીને ચુપ કરાવી દેતો હતો.

મંદિરની બહાર એક ભિખારી રાજા પાસે ધન માંગતો હતો, રાજાએ તેને સોનાની મુદ્રા ખીરમાં નાખીને આપી..

એક દિવસ રાજાએ વિચાર્યું કે પહેલો ભિખારી ભગવાન પાસે માંગે છે, તો ભગવાન તેને આપી જ દેશે, પરંતુ બીજો ભિખારી તો મારી પાસે માંગે છે. મારે તેને થોડું ધન આપવું જોઈએ. એમ વિચારીને રાજાએ એક મોટા વાસણમાં ખીર ભરી અને તેમા સોનાના સિક્કા નાખ્યાં. રાજાએ મંત્રીને કહ્યું કે આ ખીર બીજા ભિખારીને આપી આવો.

મંત્રી મંદિરમાં ગયો અને બીજા ભિખારીને ખીરથી ભરેલું વાસણ આપી દીધું. ભિખારી ખુશ થઈ ગયો કે રાજાએ તેની માટે ખીર મોકલી છે. તેને પહેલાં ભિખારીને કહ્યું કે જો ખીર, તું મૂર્ખ છે, તારે પણ રાજા પાસે જ માંગવું જોઈએ. તેને પેટ ભરીને ખીર ખાધી અને બચેલી ખીર પહેલાં ભિખારીને આપી દીધી અને કહ્યું કે લે મૂર્ખ તું પણ ખીર ખાઈ લે. અડધી ખીર આપીને તે ભિખારી ત્યાંથી ચાલ્યો ગયો.

બીજા દિવસે રાજા મંદિરમાં ગયો તો ભગવાન પાસે માંગનાર ભિખારી ત્યાં ન હતો. જે ભિખારી માટે રાજાએ ખીર મોકલી હતી, તે ત્યાં જ બેસી રહ્યો હતો. રાજાએ તેને પૂછ્યું કે તે ગઈકાલે ખીર મળી હતી. ભિખારીએ કહ્યું કે ખીર ખૂબ જ સ્વાદિષ્ટ હતી. મેં બચેલી ખીર બીજા ભિખારીને આપી દીધી. રાજા સમજી ગયો કે ભગવાને તેની સાંભળી લીધી અને તેને ધન આપી દીધું.

કથાની શીખ-

આ કથાની શીખ એ છે કે આપણે પણ ભગવાન ઉપર ભરોસો રાખવો જોઈએ. ભગવાન યોગ્ય સમય આવ્યે પોતાના ભક્તોની પરેશાનીઓ દૂર કરે છે. મોડે-મોડે પણ, ભક્તોને ભગવાનની કૃપા મળી જ જાય છે.

Leave a Reply

error: Content is protected !!